Sunday, November 15, 2020

ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ શું છે?

 ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ શું છે? 



એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે. 



ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે (  ૧૫ દિવસ સુદ /  ૧૫ દિવસ વદ ) જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. 



વ્યાવહારીક સરળતા ખાતર ચંદ્રની તિથી સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથી બદલાઇ જતી હોય. 



ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂઆત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ તર્ત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે. જેને કહે છે ધોકો અથવા પડતર દિવસ. 



જો કે સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે. 



ધોકો પાળવો કે ન પાળવો એ સ્વૈચ્છીક ગણાવાય છે. પરંતુ આ પડતર દિવસના સૂર્યોદય સમયે અમાસની તિથી ચાલતી હોઈ એ દિવસે શુભ કાર્યો કરવા વર્જ્ય હોય છે. જ્યોતિષશાસ્ત્ર્રની માન્યતા અનુસાર, પડતર દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. 



૧૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૭ સુધી આસો વદ અમાસ છે, અને આ દિવસે ભાંગી તિથી હોવાથી આ દિવસ પડતર ( ધોકો) રહેશે. નવું વર્ષ ૧૬ નવેમ્બર ને સોમવારના રોજ ઉજવાશે આ દિવસે બીજ નો ક્ષય હોવાથી ભાઈબીજ પણ એ જ દિવસે ઉજવાશે. આમ ૧૬ નવેમ્બરના રોજ બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે ઉજવાશે. 


ભારતીય કાલ ગણના વિશે સાચું જ્ઞાન કેળવીએ અને આપણી સંસ્કૃતિ માટે ગર્વ અનુભવીએ 


દિવાળીએ દીપ પ્રગટાવવાના અને ધોકાના દિવસે ધૂમ મચાવવાની ભૂલતા નહિ હો ને !!

Saturday, October 24, 2020

The Ceremony of Marriage

આંગણે રૂડો પ્રસંગ છે , 
લગ્ન અને સગાઇ નો રંગ છે, 
આવે ભરી ભરી ને સોગાત, 
અવનવી શણગારેલી થાળી ઓ માં  આજ .....